વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો
(જી.એન.એસ) તા. 05
ગાંધીનગર,
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ(DST) દ્વારા HSBCના સહયોગથી ગત તા. ૪ જુલાઈના રોજ ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે “ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પૉલિસી ૨૦૨૫-૩૦”ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં સહભાગી થતા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે તેમના ઉદબોધનમાં ગુજરાતની નીતિઓ ભારતના સર્વિસ સેક્ટરના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત છે, તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ફક્ત છેલ્લા એક વર્ષમાં જ રાજ્ય સરકારે નવીનતા, રોકાણ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપતી નવી પાંચ નીતિઓ અમલમાં મૂકી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રોકાણકારોએ ગુજરાતની નીતિગત ફ્રેમવર્ક અને કુશળ માનવબળની ઉપલબ્ધતાની પ્રશંસા કરી છે. ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશની શ્રેષ્ઠ વ્યવસ્થાઓમાં એક છે, જે ગુજરાતને રોકાણ માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય સ્થળ બનાવે છે.
HSBCના સીઈઓ અને ગિફ્ટસિટી બ્રાન્ચના વડા શ્રી આશિષ ત્રિપાઠીએ આ ચર્ચાની શરૂઆતમાં ગુજરાતમાં નવીનતા અને રોકાણ માટે HSBCની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. ત્યારબાદ HSBC ઇન્ડિયાના એમડી અને હેડ ઓફ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ સર્વિસીસ શ્રીમતી અનિતા મિશ્રાએ ગુજરાતની ઝડપી વિકાસગતિ અને GCCની મહત્ત્વની ભૂમિકા ઉપર પ્રકાશ પાડી તેની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ નીતિ ઢાંચાકીય સપોર્ટ, R&D પ્રોત્સાહન અને સ્થાનિક પ્રતિભાની સ્કિલ અપગ્રેડિંગ માટે એક સંતુલિત અને દૃઢ ફ્રેમવર્ક છે.
આ બેઠક દરમિયાન ગિફ્ટ સિટી અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા, જેમાં ઉદ્યોગો માટે રાજ્ય સરકારના મુખ્ય પ્રોત્સાહનો અને નીતિગત માળખાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ ચર્ચામાં કંપનીના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગુજરાતમાં તેમની કામગીરીનો વિસ્તાર કરવામાં રસ દર્શાવ્યો હતો. સાથે જ સહભાગીઓએ ગુજરાતની GCC નીતિની તેના સુવ્યવસ્થિત પ્રોત્સાહનો માટે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, નીતિ હેઠળ ઓફર કરાયેલ CAPEX અને OPEX સપોર્ટ તેમના સંગઠનાત્મક વિકાસ અને લાંબા ગાળાના આયોજનમાં નોંધપાત્ર મદદ કરશે. શ્રીમતી મોના કે. ખંધાર દ્વારા પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયાઓ અંગેના પ્રશ્નો કર્યા હતા જેનું વિગતવાર નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું, જે નીતિની સ્પષ્ટતા અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ અભિગમને વધુ દર્શાવે છે.
આ રાઉન્ડટેબલ દ્વારા ગુજરાતને GCC માટેના વ્યૂહાત્મક હબ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન સહયોગ અને વિકાસના સશક્ત સંદેશ સાથે થયું હતું, જે ગુજરાતને વૈશ્વિક કંપનીઓ માટે પસંદગીનું લક્ષ્ય સ્થાન તરીકે વધુ મજબૂત બનાવે છે.
આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં પીએમસી રિટેલ, અસ્તા ઈન્ડિયા, લિટેરા ઈન્ડિયા, કયુએક્સ ગ્લોબલ, ઇન્ડેક્સ ઈન્ડિયા, એફએસપી ઈન્ડિયા, ઈએન્ડવાઈ સહિત કુલ ૨૭ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO, CFO તથા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો, જે ઉદ્યોગ જગતમાં ગુજરાતની વિકસતી નીતિગત દૃષ્ટિ અને વ્યવસ્થાપન પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે. સાથે જ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના કે. ખંધાર અને ડિરેક્ટોરેટ ઓફ આઈસીટી અને ઈ-ગવર્નન્સના નિયામક શ્રીમતી કવિતા શાહ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****
રાઉન્ડ ટેબલ ચર્ચામાં સહભાગી થયેલા મહાનુભાવ:
આઈડીઈએક્સ ઇન્ડિયા-રિશી ભંડારી-વી.પી.ફાયનાન્સ
નિક્કિસો કોસ્મોડાઇન-સબ્યાસાચી મોહાપત્રા-એમ.ડી
અસ્તા ઇન્ડિયા-મનીષ મદન-સી.ઈ.ઓ
ટીટેક ઇન્ડિયા-ધર્મેન્દ્ર સિંઘ-ડાયરેક્ટર
પીએમસી રિટેલ-ધૈવત ત્રિવેદી-ફાયનાન્સ હેડ
સોફોસ ઇન્ડિયા-સ્વાતિ જૈન-ફાયનાન્સ હેડ
આઈએમએસ-કેતન શાહ-સી.એફ.ઓ
ક્યૂએક્સ ગ્લોબલ-સ્નેહલ શાહ-સી.એફ.ઓ
સાઇનોપટેક-દર્શન કામદાર-સી.એફ.ઓ
પેનામેક્સ-અમિત પોમલ-સી.એફ.ઓ
એફએસપી ઇન્ડિયા-નીખીલ પટેલ-કન્ટ્રી હેડ
એકોઅમ-દિપક શાહ-ફાયનાન્સ હેડ
યિઝુમિ-રમેશ રવુલા-ફાયનાન્સ હેડ
લ્યુસી-જગદીશ પ્રજાપતિ-સી.એફ.ઓ
એસ. મકાડિયા એન્ડ કો-શિલ્પા મકાડિયા-ડાયરેક્ટર
સીએએમ-રવિ શાહ-પાર્ટનર
ઈ એન્ડવાય-જયમીન પટેલ-પાર્ટનર
લિટેરા ઇન્ડિયા-સૌરભ સિંઘવી-એમ ડી
આમ્માન-અરવિંદ અગ્રવાલ-સી.એફ.ઓ
એમ્નીયલ ફાર્મા-રાજીવ મિદ્ધા-સી.એફ.ઓ
માઈક્રોન-આશિષ પારેખ-ફાયનાન્સ ડાયરેક્ટર


















































































































































































































