31 જુલાઇએ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રજૂ થશે, મુખ્યમંત્રીશ્રી સહિત અગ્રણી મહાનુભાવો અને ફિલ્મની સ્ટારકાસ્ટ રહેશે હાજર

104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સ પર પ્રતિસાદ આપવામાં આવ્યો 

(જી.એન.એસ) તા. ૩૦

ગાંધીનગર,

31 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે એક ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેશે. રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી “CALL 104” ફિલ્મ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો, ફિલ્મનિર્માતા તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહેશે.

રાજ્યના નાગરિકોને આરોગ્યને લગતી ઉચ્ચ ગુણવત્તાસભર સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરી માહિતી અને આરોગ્યલક્ષી સલાહ, સૂચન અને માર્ગદર્શન સાથે માનસિક રીતે અસ્વસ્થ અને સ્વયંને નિસહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવા માટે 104 હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટેની સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનના પરિણામે બહોળી સંખ્યામાં રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળ્યો છે. રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ ઝડપથી પહોંચે તે હેતુથી અધ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આ ફિલ્મના માધ્યમથી હેલ્પલાઇનની ટીમ દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ કામગીરીને દર્શાવવામાં આવશે. આ હેલ્પલાઇનના લીધે હજારો લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આ પ્રસંગે હેલ્પલાઇનના લાભાર્થીઓ પણ તેમના અનુભવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરશે.

આપઘાતના 7 હજારથી વધુ કૉલ્સને પ્રતિસાદ આપી યોગ્ય માર્ગદર્શન

104 હેલ્થ હેલ્પલાઇન જાહેર થયાથી જૂન 2025 સુધીમાં આપઘાતને લગતા 7372 કૉલ્સ પર નાગરિકોને યોગ્ય પ્રતિસાદ આપીને તેમને ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કૉલ્સમાં માનસિક બીમારી, પરિવાર સંબંધિત, અંગત સંબંધો, આર્થિક સમસ્યા, મેડિકલ બીમારી, શારીરિક/જાતિય સતામણી, શિક્ષણને લગતા તેમજ અન્ય કૉલ્સ સામેલ છે. આ કૉલ્સ આવ્યા બાદ નાગરિકોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને સામેથી ફોન કરીને વધુ માર્ગદર્શન આપવામાં આવે છે. હેલ્પલાઇન દ્વારા સમયાંતરે તે નાગરિકોને ફોલોઅપ કોલ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમનું જીવન સહજ અને સામાન્ય થયાની ખાતરી સુધી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.