દેશના રેડીમેડ ગારમેન્ટના મુખ્ય મથક ગણાતા તિરુપુર ખાતેથી જૂન ત્રિમાસિકમાં ગારમેન્ટની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૧.૭૦% વૃદ્ધિ થઈ છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ.૧૦૯૧૯ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં તિરુપુર ગારમેન્ટની નિકાસ ૧૧.૭૦% વધી રૂ.૧૨૧૯૩ કરોડ રહી હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના ડેટા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો દેશના રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગ માટે નિકાસની દ્રષ્ટિએ પ્રોત્સાહક રહ્યાનું જોવા મળી રહ્યું છે.
દેશમાંથી એપરલની એકંદર નિકાસ આ સમયગાળામાં ૮.૯૧% વધી છે. જો કે ટેકસટાઈલની નિકાસમાં ૦.૯૪% ઘટાડો થયો છે, પરંતુ એપરલ અને ટેકસટાઈલની સંયુકત નિકાસ ગયા વર્ષના જૂન ત્રિમાસિકની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં ૩.૩૭% વધી હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. અમેરિકા સાથે હાલમાં વેપાર કરાર સંદર્ભમાં વાટાઘાટ ચાલી રહી છે ત્યારે એપરલની નિકાસમાં વધારા પ્રત્યે ઉદ્યોગ દ્વારા આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે. હાલમાં દરિયાપાર વેપાર સામે પડકારો ઊભા થયા છે ત્યારે ભારતનો રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગ હકારાત્મક સ્થિતિ દર્શાવી રહ્યો છે.
નિકાસમાં વૃદ્ધિ એપરલ ઉદ્યોગમાં ભારત સ્પર્ધાત્મકતા પૂરી પાડી રહ્યો હોવાનું પણ સૂચવે છે એમ એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે ગારમેન્ટસ તથા એપરલની નિકાસમાં ભારતના મોટા સ્પર્ધક બાંગલાદેશ પર અમેરિકા દ્વારા ૩૫% ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી ભારતના એપરલ તથા રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકો માટે સ્થિતિ સાનુકૂળ બની છે. જો કે નવા ટેરિફનો અમલ ૧લી ઓગસ્ટથી થવાનો છે ત્યારે બાંગલાદેશ પણ અમેરિકાને આ મુદ્દે સમજાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. ૩૫% ટેરિફને કારણે વૈશ્વિક બજારમાં બંગલાદેશની સ્પર્ધાત્મકતા ઘટી જશે.
ઊંચા ટેરિફને ધ્યાનમાં રાખી અમેરિકાના રેડીંમેડ ગારમેન્ટના આયાતકારોએ ભારત સહિતના અન્ય દેશો પર નજર દોડાવવાનું શરૂ કરવું પડશે જ્યાંથી તેમને સ્પર્ધાત્મક ભાવે માલ મળી રહે એમ કાઉન્સિલના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. હાલમાં ભારતની ટેકસટાઈલ નિકાસ પર ૧૦% ટેરિફ વસૂલવામાં આવે છે પરંતુ પ્રોડકટ કલાસીફેકશન તથા દરમાં વિવિધતાને કારણે કેટલાક સેગમેન્ટસ પર ૨૬% ડયૂટી લાગુ થાય છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં અમેરિકા ખાતે ભારતની એપરલ નિકાસનો આંક પાંચ અબજ ડોલર રહ્યો હતો.































































































































































































































































































































































































































































































































































