રોકાણકારોમાં નવેસરના આશાવાદ, વિકસિત દેશો દ્વારા નિયમનકારી માળખા માટેના માર્ગને મંજુરી તથા સ્પોટ ઈટીએફસમાં જંગી ઈન્ફલોસને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપનો આંક પ્રથમ જ વખત ૪ ટ્રિલિયન ડોલરને આંબી ગયો છે. જોખમી એવી આ ડિજિટલ કરન્સીસ માટે નિયમનકારી માળખાની રચનાની જોગવાઈ સાથેના ખરડાને અમેરિકાના લોક પ્રતિનિધિ ગૃહે આ સપ્તાહમાં મંજુર કરી દીધો છે. આ ધારાને કારણે રોકાણકારોમાં ક્રિપ્ટોસ સંદર્ભમાં વિશ્વાસમાં વધારો થશે અને તે પ્રત્યેનો અભિગમ પણ બદલાશે. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રારંભથી સર્વ એસેટ કલાસમાં ૩૦% સાથે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને રોકાણકારોને સૌથી વધુ વળતર પૂરું પાડયું છે.
નવા એકસચેન્જ ટ્રેડેડ પ્રોડકટસના લોન્ચિંગને રોકાણકારોનો પ્રતિસાદ મળી રહ્યો છે. વિતેલા સપ્તાહમાં બિટકોઈને ૧,૨૩,૦૦૦ ડોલરની સપાટી દર્શાવ્યા બાદ હાલમાં ૧,૧૮,૦૦૦ આસપાસ કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઈટીએફ ઈન્ફલોમાં વધારો, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો તથા ડોલરમાં નબળાઈની સ્થિતિમાં ક્રિપ્ટો માર્કેટની રેલીને બળ મળી શકે છે. ભારતના ટોચના ક્રિપ્ટો એકસચેન્જિસ કોઈનડીસીએકસ, ઝેબપે, મુડરેકસ તથા કોઈનસ્વીચમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૦ કરોડ ડોલરથી વધુનો નેટ ઈન્ફલોસ જોવા મળ્યો છે. ખેલાડીઓ સક્રીય બનતા વેપાર વોલ્યુમમાં વધારો જોવા મળ્યો હતો.































































































































































































































































































































































































































































































































































