હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું
(જી.એન.એસ) તા. 2
ગાંધીનગર/અમદાવાદ,
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દાહોદ અનેગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાઇ સૂચના.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે તો માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવણમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.36 ઇંચ, સુરતના મહુવામાં 1.93 ઇંચ, ડાંગના આહવામાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદના કારણે રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.



























































































































































































































































































































































































































































































































































































































