આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ
પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ
(જી.એન.એસ) તા. ૩૧
ગાંધીનગર,
રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યના દિવ્યાંગજનોને બિમારીના સમયમાં યોગ્ય સારવાર આપવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે. નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું છે.
બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જુથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને કોઇપણ પ્રકારની પૂર્વ તબીબી પરીક્ષા એટલે કે મેડીકલ ટેસ્ટની જરુરીયાત રહેતી નથી અને લાભાર્થી કોઇપણ માન્ય હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજાર સુધી હોય તો માસિક રૂ. ૨૫૦ અને કૌટુંબિક માસિક આવક રૂ.૧૫ હજારથી વધુ હોય તેવા લાભાર્થીને માસિક રૂ. ૫૦૦નું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના સંબંધિત વિગતે માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
“આ યોજના હજારો દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશાનું કિરણ સાબિત થશે, જેનાથી તેઓને આર્થિક ભાર વિના ગુણવત્તાપૂર્ણ હેલ્થકેર મળી શકે છે. આ પહેલ ગુજરાતના દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું કામ કરશે.




























































































































































































































































































































































































































































































































































































































